કસ્ટમ ડ્યૂટી : ચીની રમકડાં પર 35% ડ્યૂટી લદાતાં વેપારીઓ મુશ્કેલીમાં

ગાંધી રોડ પરના વેપારીઓનો વિરોધ

કસ્ટમ ડ્યૂટી પાછી ન ખેંચાય તો હડતાળની ચીમકી

અમદાવાદ: કેન્દ્રીય બજેટમાં ચાઈનીઝ રમકડાં પર 35 ટકા કસ્ટમ ડ્યૂટી લાદવામાં આવતાં ગાંધી રોડ પર આવેલા આ રમકડાંના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આ અંગે ઓલ ઈન્ડિયા ટોયઝ ટ્રેડર એસોસિએશને નાણામંત્રીને રજૂઆત કરી છે અને ડ્યૂટી ઘટાડાની માંગણી ન સંતોષાય તો અચોક્કસ મુદતની હડતાળ પાડવાની ચીમકી ઉચ્ચારી છે.

ઓછી ઉત્પાદન કોસ્ટના કારણે ચીની ઇલેક્ટ્રોનિક રમકડાં સસ્તાં

આયાતકારોએ બે મહિના દરમિયાન આપેલા ઓર્ડર પછી માલ પોર્ટ પર આવી ગયો છે પરંતુ 35 ટકા કસ્ટમ ડ્યૂટી ભરવી પડે તેમ હોવાથી વેપારીઓનો વિરોધ છે. વધારામાં સરકારે લાદેલી કસ્ટમ ડ્યૂટીના ભારણથી ચીનથી માલ આયાત કરી સ્થાનિક બજારમાં વેચવાનું મોંઘું થઈ ગયું છે. સામાન્ય રીતે ચીનથી આયાત થતાં ઇલેક્ટ્રોનિક રમકડાં તેની ઓછી ઉત્પાદન કોસ્ટના કારણે સસ્તાં હોય છે પરંતુ કસ્ટમ ડ્યૂટી લદાતા સ્થાનિક બજારમાં તેની કિંમત વધારવી પડે તેમ છે.

રમકડાં મોંઘાં થવાની શક્યતા

ચાઇનાથી ઇલેક્ટ્રોનિક અને નોન ઇલેક્ટ્રોનિક ટોઇઝ સસ્તામાં આવે છે. શહેરમાં 200 કરતા વધારે ચાઇનીઝ ટોયઝની દુકાનો છે જે જૂનો સ્ટોક જૂના ભાવે વેચે છે પરંતુ નવા ટોયઝ આવતા તેના પર ભાવ વધારો કરવો પડશે.– સુહેલ પટેલ, ઓનેસ્ટ ટોયઝ, ગાંધી રોડ