AMC બજેટ : 275 BRTS બસ માટે 200 કરોડની સામે 800 AMTSને માત્ર 355 કરોડ

અમદાવાદ: મ્યુનિ.ની બંને ટ્રાન્સપોર્ટેશન સર્વિસને ફાળવવામાં આવેલા બજેટમાં વહાલાદવલાની નીતિ અપનાવાઈ હોવાની ચર્ચા છે. સૌથી વધારે કેનક્ટિવિટી ધરાવતી એએમટીએસ માટે માંડ 355 કરોડ બજેટમાં ફાળવાયા છે જેની 800 જેટલી બસ દોડે છે, જ્યારે બીઆરટીએસની 275 બસ જ દોડતી હોવા છતાં તેને 200 કરોડ જેટલી જંગી રકમ ફાળવી છે.

બીઆરટીએસ તેના નિશ્ચિત કોરિડોરમાં ફરતી હોય છે તેમજ તેના માટે 275 બસ પૈકી પ્રતિદિન 251 જેટલી બસ દોડાવવામાં આવે છે. તે બસોને દોડાવવા માટે મ્યુનિ.ના બજેટમાં મોટી રકમ ફાળવવામાં આવી છે. ત્યારે સૌથી વધુ કનેક્ટિવિટી ધરાવતી અને છેવાડેથી મુસાફરોને સેવા આપતી એએમટીએસ પાછળ મ્યુનિ.એ માંડ 355 કરોડ ફાળવ્યા છે.

એક તરફ એએમટીએસનું તંત્ર ખાડે ગયું છે ત્યારે બીઆરટીએસનો ઉપયોગ વધે તે માટે નાગરિકોના નજીકના સ્થળેથી બીઆરટીએસ સ્ટેશન સુધી નાની બસો દોડાવી તેમને કનેક્ટિવિટી આપવા માટે પણ આયોજન બજેટમાં કરવામાં આવ્યું છે. જે દ્વારા એએમટીએસની ઉપયોગિતા વધુ એક વખત લિમિટેડ થઇ જાય તેવી શક્યતા છે.

એક સમયે જ્યારે અમદાવાદની વસતી 16 લાખ જેટલી હતી ત્યારે શહેરમાં એએમટીએસની 700 બસ દોડતી હતી. આજે શહેરની વસતી 60 લાખને પાર કરી ગઈ છે ત્યારે માંડ 800 બસ જ દોડે છે. જાહેર પરિવહન પાછળ 551 કરોડથી વધારેની રકમ મ્યુનિ. બજેટમાં ફાળવણી કરવા છતાં પણ તેનું કોઇ યોગ્ય પરિણામ મળી રહ્યું નથી. બીજી તરફ એએમટીએસ અને બીઆરટીએસમાં ડીઝલ આધારિત બસો દોડાવાતા આખરે તેની અસર હેઠળ પ્રદૂષણનું પ્રમાણ પણ વધી રહ્યું હોવાનું પણ ચર્ચાય છે.

BRTS પાછળ ચાર વર્ષમાં 5 ગણો ખર્ચ

વર્ષ ફાળવેલી રકમ
2017-2018 53 કરોડ
2018-2019 57.50 કરોડ
2019-2020 125 કરોડ
2020-2021 200 કરોડ