મહેસાણા : ઇન્સ્ટાગ્રામથી પરિચય કેળવ્યા બાદ મૈત્રી કરાર કરાવી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું

મહેસાણાઃ મોબાઇલ પર ઇનસ્ટાગ્રામથી એકબીજાના પરિચયમાં આવ્યા પછી યુવકનો યુવતી સાથે સગાઇમાં મેળ નહીં પડતાં યુવકે તેના પરિવારજનો સાથે મળી યુવતીને ભગાડી જઇ બળજબરીપૂર્વક મૈત્રીકરાર કરાવી લીધા હતા અને બાદમાં તેની સાથે યુવકે દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે યુવતીએ યુવક તેમજ તેના માતા-પિતા સહિત ચાર શખ્સો વિરુદ્ધ મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મહેસાણાની 19 વર્ષિય યુવતીએ એકાદ મહિના પહેલાં મોબાઇલમાં ઇનસ્ટાગ્રામ આઇડી પરથી યુવકની આવેલી ફ્રેન્ડ રીકવેસ્ટ સ્વીકારી હતી અને પછી પરિચયમાં આવ્યા બાદ વીડિયોકોલથી વિશ્વાસ કેળવાયો હતો. ગત જાન્યુઆરીમાં યુવક પ્રતિક નાયકના માતા-પિતા અને મામા યુવતીના ઘરે આવી તેણીના માતા-પિતાને સગાઇની વાત કરી પરંતુ મોટી દીકરીનાં લગ્ન બાકી હોઇ હાલમાં સગાઇની કોઇ વાતચીત કરવાની નથી તેમ કહેતાં યુવકનાં પરિવારજનો ઉશ્કેરાઇ ગયા હતા.

બાદમાં યુવકે કોલ કરીને સગાઇ થાય ત્યારે થાય હાલ મિત્રતા કરી લઇએ તેમ કહી યુવતીને અભ્યાસના સર્ટી લઇ બોલાવીને નાસ્તો કરવા જઇએ તેમ કહી મામા સાથે બાઇક પર આ યુવતીને પાટણ લઇ ગયો હતો. જ્યાં એડવોકેટ નોટરી રૂબરૂ પ્રતિકના માતા-પિતા સહિત ચારેય જણાએ તેની પાસેથી ડોક્યુમેન્ટ ડરાવી ધમકાવી લઇ લીધા અને કાગળો વંચાવ્યા વગર સહી કરાવી લીધી હતી. યુવતીનો મોબાઇલ બંધ કરી લઇ લીધો અને ચારેય જણા ઇકો ગાડીમાં સતલાસણા તેમના કોઇ સંબંધીને ત્યાં લઇ ગયા અને પ્રતિક સાથે રહેવા કહ્યું હતું. જ્યાં રાત્રે પ્રતિકે યુવતીની ઇચ્છા વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. બીજા દિવસ રાત્રે પણ શરીરસંબંધ બાંધ્યો હતો.

બાદમાં સતલાસણાથી ઊંઝા લઇ જઇ યુવકના પિતાએ કહ્યું કે, તારા પિતાએ પોલીસમાં અરજી કરી હોઇ ત્યાં હાજર થવાનું છે, જો તું અમારા વિરુદ્ધ બોલીશ તો તારા નાનાભાઇને ઉપાડી જઇશું. પોલીસ નિવેદનમાં ડરના કારણે હકીકત જણાવી ન હોતી, તે પછી ઘરે આવી ગુમસુમ રહેતી યુવતીને માતા-પિતાએ વિશ્વાસમાં લઇ હૈયાધારણા આપતાં તેણીએ ઊંઝાના મક્તુપુર ગામના પ્રતીક વિનોદભાઇ નાયક, મમતાબેન વિનોદભાઇ નાયક, વિનોદભાઇ નટવરલાલ નાયક અને ચિરાગ મનુભાઇ નાયક વિરુદ્ધ અપહરણ, દુષ્કર્મ અને ધમકી અંગે ફરિયાદ નોંધાવી હતી.