એલર્ટ : કંડલામાં પાકિસ્તાન જતાં ચાઇનીઝ જહાજમાંથી સંદિગ્ધ મશીનરી મળી

ગાંધીધામ: મહાબંદર કંડલામાં તપાસમાં હોંગકોંગથી આવેલા અને પાકિસ્તાન જતાં ચાઇનીઝ જહાજમાંથી સંદિગ્ધ મશિનરી મળી છે. શનિવારથી ચાલતા તપાસમાં આ જહાજમાં પાકિસ્તાન સરકાર માટેના વિન્ડમીલના પૂર્જા ઉપરાંત મિસાઇલ જેવી કોઇ યુદ્ધ સામગ્રી હોવાની સંભાવનાના પગલે અન્ય એજન્સીઓ પણ તપાસમાં જોતરાઇ છે.

દિન દયાલ પોર્ટ ટ્રસ્ટ, કંડલા ખાતે ત્યારે ચકચાર મચી ગઈ જ્યારે હોંગકોંગથી રવાના થયેલા ‘ડી ચીન જિંગ’નામના ચાઇનીઝ ફ્લેગ ધરાવતા શીપમાંથી આ સંદિગ્ધ મશીનરીના માળખા મળી આવ્યા હતા. જેથી સંબધિત વિભાગના નિષ્ણાંતને બોલાયા હતાં. રાષ્ટ્રીય સુરક્ષા સંલગ્ન તપાસ ચાલતી હોવાથી આ અંગે કોઈ મળી નથી.સ્થાનિક સાથે બહારની ટીમોના અધિકારીઓ જોડાયા હોવાના દાવાથી બાબતની ગંભીરતાનો અંદાજો આવી શકે તેમ છે. કચ્છની પડોશમાં આવેલા પાક.ના પોર્ટ કાસિમમાં આ માલસામાન ઉતરવાનો હતો, તેમાં પવનચક્કીના પૂર્જાની સાથે મિસાઇલ જેવી કોઇ યુદ્ધ સામગ્રી હોવાની શક્યતા જોવાઇ રહી છે.

જહાજને અટકાવીને પ્રારંભિક છાનબીન બાદ ગત મોડી રાત સુધી પંચનામા સહિતની વિધિઓ થઇ હતી, જ્યારે આજે દિવસ દરમિયાન પણ આ શીપની તપાસ જારી રહી હતી.