રોગચાળો : ચીને કહ્યુ- કોરોના વાઈરસ હવામાંથી ફેલાઈને લોકોને ચેપ લગાડી રહ્યો છે

ચીનમાં 811નાં મૃત્યુ, સાર્સથી થયેલા કુલ મોતનો વૈશ્વિક આંકડો પાર 

અગાઉ આ વાઈરસ સંપર્કમાં આવવાથી જ ચેપ લગાડે એવું કહેવાતું હતું 

 

બેજિંગ: કોરોના વાઈરસના ફેલાવાને લઈને એવો ઘટસ્ફોટ થયો છે, જે દુનિયાભરની સરકારો અને મેડિકલ નિષ્ણાતોની ઉંઘ ઉડાવી શકે છે. શાંઘાઈના અધિકારીઓએ જણાવ્યું છે કે, કોરોના વાઈરસ હવે હવામાં મોજુદ સૂક્ષ્મ બુંદોમાં મળીને તરવા લાગ્યો છે અને તે હવાથી જ બીજા વ્યક્તિને ચેપ લગાડી રહ્યો છે. આ પ્રક્રિયા એરોસોલ ટ્રાન્સમિશન તરીકે ઓળખાય છે. અત્યાર સુધી આ વાઈરસ વિશે એવું કહેવાતું કે, તે પીડિત વ્યક્તિના સીધા સંપર્કમાં આવવાથી જ ચેપ લગાડી શકે છે.

શાંઘાઈ સિવિલ અફેર્સ બ્યુરોના ઉપ પ્રમુખે કહ્યું કે, ‘એરોસોલ ટ્રાન્સમિશનનો અર્થ એ છે કે, વાઈરસ હવામાં રહેલા સૂક્ષ્મ બુંદોમાં મળીને એરોસોલ બનાવે છે. મેડિકલ નિષ્ણાતોના કહેવા પ્રમાણે, તેથી શ્વાસ લેવાના કારણે પણ ચેપ ફેલાઈ રહ્યો છે. તેથી અમે લોકોને અપીલ કરી છે કે, પરિવારના બીજા સભ્યોને આ ચેપથી બચાવવા સરકારે જાહેર કરેલી ગાઈડલાઈન અનુસરો અને જાગૃત રહો.’

શાંઘાઈ ઘોસ્ટ ટાઉન બન્યું

24 કલાક લોકોની ભીડથી ઘેરાયેલા શાંઘાઈનું સૂમસામ દેખાતું ઓરિએન્ટલ પર્લ ટાવર.

37,500થી વધુ લોકો કોરોના વાઈરસથી સંક્રમિત

વૈશ્વિક સ્વાસ્થ્ય અધિકારીઓ તરફથી રવિવારે આપેલા આંકડા પર્માણે, ચીનમાં વાઈરસના કારણે અત્યાર સુધી 811ના મોત થયા, જ્યારે 37,198 લોકોને તેનો ચેપ લાગ્યાની પુષ્ટિ થઈ છે. આ સિવાય હોંગકોંગમાં એક વ્યક્તિના મોત સહિત 25 પીડિત નોંધાયા છે. આ વાઈરસે વિશ્વભરના 37,500થી વધુ લોકોને ચપેટમાં લઈ લીધા છે. આ પહેલા 2002-03માં સાર્સથી 774ના મોત થયા હતા.

એલર્ટ: ભારતમાં ચીનથી આવતા મુસાફરો પર રોક

ભારત સરકારે ચીનથી આવતા મુસાફરોના પ્રવેશ પર રોક મૂકી દીધી છે. 15 જાન્યુઆરી, 2020 કે ત્યાર પછી જે પણ ચીન ગયા છે, તેમને ભારતમાં પ્રવેશ નહીં મળે. આવા મુસાફરોને હવાઈ, રોડ કે સમુદ્ર માર્ગે ભારતમાં આવવાની મંજૂરી નહીં મળે. આ પ્રતિબંધ નેપાળ, ભુતાન, બાંગ્લાદેશ કે મ્યાંમારના રસ્તે આવતા લોકોને પણ લાગુ પડશે.

પત્ર: મોદીએ જિનપિંગને મદદની ઑફર કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના પ્રમુખ શી જિનપિંગને પત્ર લખ્યો છે. તેમાં મોદીએ કોરોના વાઈરસના પ્રકોપને લઈને ચીનને તમામ પ્રકારનો સહકાર આપવાની વાત કરી છે. આ ઉપરાંત તેમણે આ દિશામાં કોઈ પણ મદદની પણ ઑફર કરી છે અને તેના કારણે મૃત્યુ પામનારા લોકો માટે દુ:ખ પણ વ્યક્ત કર્યું છે.

રિપોર્ટ: 20 સંવેદનશીલ દેશોમાં ભારત પણ સામેલ

ભારત દુનિયાના એ 20 દેશમાં સામેલ છે, જ્યાં હવાઈ મુસાફરો થકી કોરોના વાઈરસ પહોંચવાનો ખતરો છે. જર્મનીની હમબોલ્ડ્ટ યુનિવર્સિટી અને રોબર્ટ કોચ ઈન્સ્ટિટ્યૂટે આ માટે દુનિયાના 4000 એરપોર્ટની 25 હજાર ફ્લાઈટનું વિશ્લેષણ કર્યું. ભારતના 7 એરપોર્ટથી આ વાઈરસ પહોંચવાનો ખતરો છે, જેમાં મુંબઈ, કોલકાતા, બેંગલુરુ, ચેન્નાઈ, હૈદરાબાદ અને કોચ્ચિ સામેલ છે.