પંજાબ : નગર કીર્તન દરમિયાન ફટાકડાંથી ભરેલી ટ્રોલીમાં બ્લાસ્ટ, 2ના મોત, પહેલા અધિકારીએ 10ના મોતનું કહ્યું હતું

નગર કીર્તનમાં સામેલ લોકો બાબા દીપસિંહના જન્મસ્થાન ગામ પહુવિંડથી ગુરૂદ્વારા ટાહલા સાહિબ જઇ રહ્યાં હતા

તરનતારન એસએસપીએ પહેલા 13-14 મોતની વાત કહી હતી, IGએ આંકડા સ્પષ્ટ કર્યા

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંઘે ઘટનાની તપાસના આદેશ આપ્યા, મૃતકના પરિવારને 5 લાખની સહાય

પંજાબ : તરનતારનમાં શનિવારે એક ધાર્મિક આયોજન દરમિયાન ફટાકડાંથી ભરેલી ટ્રોલીમાં બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં 2 લોકોનું મોત થયું છે જ્યારે 11 લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના શનિવારે બપોરે થઇ જ્યારે નગર કીર્તનમાં સામેલ શ્રદ્ધાળુઓ બાબા દીપસિંહના જન્મસ્થાનના ગામ પહુવિંડથી નગર કીર્તન માટે ટાહલા ગામ જઇ રહ્યા હતા. આતિશબાજી માટે આ ટ્રોલીમાં ઘણા ફટાકડાં રાખવામાં આવ્યા હતા. તરનતારનના એસએસપીએ પહેલા આ ઘટનામાં 10થી વધુ લોકોના મૃત્યુની વાત કહી હતી જોકે હવે અમૃતસર રેન્જ IGએ આંકડા સુધારીને કહ્યું કે તેમાં 2 લોકોનું મૃત્યુ થયું છે.

અમૃતસરના બોર્ડર રેન્જ IG સરિંદરપાલસિંહ પરમારે કહ્યું- આ દુર્ઘટનામાં 2 લોકોનું મૃત્યુ થયું છે અને 11 ઘાયલ થયા છે. તરનતારનના એસએસપીએ મૃતકોનો જે આંકડો જણાવ્યો હતો તે સાક્ષીઓના હવાલાથી કહ્યો હતો. આ પહેલા તરનતારનના એસએસપી ધ્રુવ દહિયાએ કહ્યું હતું કે નગર કીર્તન દરમિયાન આતિશબાજી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન ટ્રેક્ટરની ટ્રોલીમાં વિસ્ફોટ થઇ ગયો. ઘટનાસ્થળે ઉપસ્થિત લોકો પ્રમાણે તેમાં 14-15 લોકોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. દુર્ઘટનામાં ગંભીર 3 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.