ઓકલેન્ડ : ન્યૂઝીલેન્ડ 6 વર્ષ પછી ભારત સામે સીરિઝ જીત્યું, બીજી વનડેમાં 22 રને હરાવ્યું

ન્યૂઝીલેન્ડે 273 રન કર્યા, ભારતીય ટીમ 48.3 ઓવરમાં 251 રનમાં ઓલઆઉટ

કિવિઝ માટે માર્ટિન ગુપ્ટિલે 79, રોસ ટેલરે 73 અને હેનરી નિકોલ્સે 41 રન કર્યા

ભારત માટે રવિન્દ્ર જાડેજાએ 55, શ્રેયસ ઐયરે 52 અને નવદીપ સૈનીએ 45 રન કર્યા

ડેબ્યુમાં 42 રન આપીને 2 વિકેટ ઝડપનાર અને બેટ વડે 25 રનનું યોગદાન આપનાર કાઈલી જેમિસન મેન ઓફ ધ મેચ બન્યો

ત્રણ વનડેની સીરિઝમાં કિવિઝની 2-0ની અજય લીડ, અંતિમ મેચ 11 ફેબ્રુઆરીએ માઉન્ટ મોનગુઈમાં રમાશે

સ્પોર્ટ્સ ડેસ્ક: ન્યૂઝીલેન્ડે ઓકલેન્ડના ઈડન પાર્ક ખાતેની બીજી વનડેમાં ભારતને 22 રને હરાવ્યું છે. આ સાથે જ કિવિઝે 3 વનડેની સીરિઝમાં 2-0ની અજય લીડ મેળવી લીધી છે. ન્યૂઝીલેન્ડ 6 વર્ષ પછી ભારત સામે સીરિઝ જીત્યું છે. છેલ્લે તેમણે ભારતને 2014માં ઘરઆંગણે 2-0થી હરાવ્યું હતું. અંતિમ મેચ 11 ફેબ્રુઆરીએ માઉન્ટ મોનગુઈમાં રમાશે.

274 રનનો પીછો કરતા ભારત 48.3 ઓવરમાં 251 રનમાં ઓલઆઉટ થયું હતું. શ્રેયસ ઐયર અને રવિન્દ્ર જાડેજા સિવાય તમામ બેટ્સમેન નિષ્ફ્ળ રહ્યા હતા. ઐયરે કરિયરની સાતમી ફિફટી ફટકારતા 7 ફોર અને 1 સિક્સની મદદથી 52 રન કર્યા હતા. ટીમે 153 રનમાં 7 વિકેટ ગુમાવી હતી, ત્યારે જાડેજાએ નવદીપ સૈની (45) સાથે 76 રનની ભાગીદારી કરીને મેચમાં ટીમ ઇન્ડિયાની વાપસી કરી હતી. જોકે ટીમને 23 રનની જરૂર હતી ત્યારે જાડેજા 55 રનના વ્યક્તિગત સ્કોરે આઉટ થયો હતો. કિવિઝ માટે હેમિશ બેનેટ, ટિમ સાઉથી, કાઈલી જેમિસન અને ગ્રાન્ડહોમે 2-2 વિકેટ લીધી હતી.

કોહલી, રાહુલ, શો અને અગ્રવાલ ફ્લોપ રહ્યો

લોકેશ રાહુલ 4 રને ગ્રાન્ડહોમની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તે પહેલા કપ્તાન વિરાટ કોહલી 15 રને ટિમ સાઉથીની બોલિંગમાં બોલ્ડ થયો હતો. કોહલી પોતાના વનડે કરિયરમાં પહેલીવાર સતત ત્રણ મેચમાં બોલ્ડ થયો છે. ઓપનર પૃથ્વી શો કાઈલી જેમિસનની મેડન વિકેટ બન્યો હતો. તેણે 19 બોલમાં 6 ફોરની મદદથી 24 રન કર્યા હતા. જ્યારે મયંક અગ્રવાલ 3 રને બેનેટની બોલિંગમાં ફર્સ્ટ સ્લીપમાં ટેલરના હાથે કેચ આઉટ થયો હતો.

વનડેમાં કોહલીને સૌથી વધુ વખત આઉટ કરનાર બોલર:

 • 6- ટિમ સાઉથી
 • 6- રવિ રામપોલ
 • 5- થિસારા પરેરા
 • 5- એડમ ઝામ્પા

બધા ફોર્મેટમાં કોહલીને સૌથી વધુ વખત આઉટ કરનાર બોલર:

 • 9 – ટિમ સાઉથી
 • 8 – જેમ્સ એન્ડરસન
 • 8 – ગ્રેમ સ્વાન
 • 7 – મોર્ને મોર્કલ, નેથન લાયન, એડમ ઝામ્પા, રવિ રામપોલ

ન્યૂઝીલેન્ડે ભારતને 274 રનનો લક્ષ્યાંક આપ્યો

ન્યૂઝીલેન્ડ ભારત સામેની બીજી વનડેમાં ઓકલેન્ડના ઈડન પાર્ક ખાતે 50 ઓવરમાં 8 વિકેટે 273 રન કર્યા છે. વિરાટ કોહલીએ ટોસ જીતીને યજમાનને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ઓપનર્સ માર્ટિન ગુપ્ટિલ (79) અને હેનરી નિકોલ્સ (41)એ ટીમને સારી શરૂઆત અપાવતા 93 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. નિકોલ્સના આઉટ થયા પછી ગુપ્ટિલે ટોમ બ્લેંડલ સાથે 49 રનની ભાગીદારી કરી હતી. જોકે બ્લેન્ડલ (22)ના આઉટ થયા પછી કિવિઝનો ધબડકો થયો હતો. એક સમયે તેમનો સ્કોર 26.2 ઓવર 142/1 હતો અને તેના પછી ટીમે 55 રનમાં 7 વિકેટ ગુમાવી હતી. સ્કોર 197/8 હતો ત્યારે કિવિઝ 220 રનમાં ઓલઆઉટ થઇ જશે તેમ જણાતું હતું. જોકે રોસ ટેલર (73)એ કાઈલ જેમિસન (25) સાથે નવમી વિકેટ માટે 76* રનની ભાગીદારી કરી હતી. ભારત માટે યૂઝવેન્દ્ર ચહલે 3 વિકેટ, શાર્દુલ ઠાકુરે 2 વિકેટ અને રવિન્દ્ર જાડેજાએ 1 વિકેટ લીધી હતી.

બુમરાહે 5 વનડેમાં 1 વિકેટ લીધી
ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનો ઇજામાં વાપસી કર્યા પછી દેખાવ નબળો રહ્યો છે. તેણે 5 વનડેમાં 277ની સ્ટ્રાઇક રેટથી માત્ર 1 વિકેટ લીધી છે. તેમજ છેલ્લી ત્રણ વનડેથી વિકેટ ઝડપી શક્યો નથી. આવું તેના કરિયરમાં પહેલીવાર થયું છે.

કિવિઝ વતી ભારત સામે સૌથી વધુ 50+ સ્કોર:

 • 11 -રોસ ટેલર*
 • 10 – નેથન એસ્ટલે
 • 9 – સ્ટીફન ફ્લેમિંગ
 • 9 – કેન વિલિયમ્સન

લેથમ, ગ્રાન્ડહોમ, ચેપમેન અને નિશમ સિંગલ ડિજિટમાં આઉટ

 • કિવિઝનું મિડલ ઓર્ડર નિષ્ફ્ળ રહ્યું હતું. કેપ્ટન ટોમ લેથમ 7 રને જાડેજાની બોલિંગમાં સ્વીપ શોટ રમવા જતા બોલ ચુક્યો હતો અને એલબીડબ્લ્યુ થયો હતો. તેણે રિવ્યુ લીધો હતો કે જોકે બોલ સ્ટમ્પને અડતો હોવાથી કિવિઝે કેપ્ટન અને રિવ્યુ બંને ગુમાવ્યા હતા.
 • જેમ્સ નિશમ 3 રને જાડેજા દ્વારા રનઆઉટ થયો હતો. ટેલરે બોલને બેકવર્ડ પોઇન્ટ પર માર્યો હતો અને નિશમ સિંગલ માટે દોડ્યો હતો. જોકે તે ક્રિઝમાં પહોંચે તે પહેલા જાડેજાનો સીધો થ્રો પહોંચી ગયો હતો.
 • તે પછી ઓલરાઉન્ડર કોલિન ડી ગ્રાન્ડહોમ 5 રને ઠાકુરની બોલિંગમાં સ્કવેર લેગ પર ઐયરના હાથે કેચ આઉટ થયો હતો. જ્યારે માર્ક ચેપમેન 1 રને યૂઝવેન્દ્ર ચહલની બોલિંગમાં રિટર્ન કેચ આપી બેઠો હતો.

ગુપ્ટિલે 11 ઇનિંગ્સ પછી ફિફટી મારી, નિકોલ્સ સાથે 93 રનની ભાગીદારી કરી

 • હેનરી નિકોલ્સ યૂઝવેન્દ્ર ચહલની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો. તેણે 59 બોલમાં 5 ફોરની મદદથી 41 રન કર્યા હતા. અમ્પાયરે નોટઆઉટ આપતા નિકોલ્સે રિવ્યુ લીધો હતો, જોકે રિપ્લેમાં અમ્પાયર્સ કોલ આવતા તેને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. અમ્પાયર્સ કોલ હોવાથી કિવિઝે રિવ્યુ ગુમાવ્યો નથી.
 • માર્ટિન ગુપ્ટિલ 79 રને ઠાકુર અને રાહુલ દ્વારા રનઆઉટ થયો હતો. ટેલરે જાડેજાનો બોલ શોર્ટ-થર્ડમેન પર માર્યો હતો અને બંને બેટ્સમેન રન માટે દોડ્યા હતા. જોકે ગુપ્ટિલ સ્ટ્રાઈકર એન્ડ પર પહોંચે તે પહેલા ઠાકુર/ રાહુલે તેને પેવેલિયન ભેગો કર્યો હતો.
 • ગુપ્ટિલે વનડેમાં 36મી ફિફટી મારી હતી, તેમજ 11 ઇનિંગ્સ પછી ફોર્મેટમાં 50 રનનો આંક વટાવ્યો છે. તેણે 79 બોલમાં 8 ફોર અને 3 સિક્સની મદદથી 79 રન કર્યા હતા. ગુપ્ટિલ જાડેજાની બોલિંગમાં 60 રને એલબીડબ્લ્યુ થયો હતો. અમ્પાયરે નોટઆઉટ આપ્યા પછી ભારતે રિવ્યુ લીધો નહોતો. રિપ્લેમાં સ્પષ્ટ હતું કે ગુપ્ટિલ આઉટ હતો.
 • તે પછી ટોમ બ્લેંડલ શાર્દુલની બોલિંગમાં મીડ-ઓન પર સૈનીના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 25 બોલમાં 3 ફોરની મદદથી 22 રન કર્યા હતા.

ભારતે ટોસ જીતીને બોલિંગ લીધી

ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામેની બીજી વનડેમાં ઓકલેન્ડના ઈડન પાર્ક ખાતે ટોસ જીતીને બોલિંગ લીધી છે. કોહલીએ કહ્યું કે, મોહમ્મદ શમીને ટેસ્ટ સીરિઝને ધ્યાનમાં રાખતા આરામ આપવામાં આવ્યો છે. તેને નવદીપ સૈની રિપ્લેસ કરશે. જ્યારે કુલદીપ યાદવની જગ્યાએ યૂઝવેન્દ્ર ચહલને તક મળી છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડની ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. ઈશ સોઢી અને મિચેલ સેન્ટનરની જગ્યા કાઈલ જેમિસન અને માર્ક ચેપમેન રમી રહ્યા છે. જેમિસન કિવિઝ માટે વનડે રમનાર 197મો પ્લેયર બન્યો છે.

ભારતની પ્લેઈંગ 11: વિરાટ કોહલી (કપ્તાન), મયંક અગ્રવાલ, પૃથ્વી શો, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, કેદાર જાધવ,રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, યૂઝવેન્દ્ર ચહલ, નવદીપ સૈની અને શાર્દુલ ઠાકુર

ન્યૂઝીલેન્ડની પ્લેઈંગ 11: માર્ટિન ગુપ્ટિલ, હેનરી નિકોલ્સ, ટોમ લેથમ (કેપ્ટન/ વિકેટકીપર), ટોમ બ્લેંડલ, રોસ ટેલર, જેમ્સ નિશમ, કોલિન ડી ગ્રાન્ડહોમ, માર્ક ચેપમેન, કાઈલ જેમિસન, ટિમ સાઉથી અને હેમિશ બેનેટ