વાપી : TVનો અવાજ વધારી બાળકી સાથે દુષ્કર્મ બાદ ગળું દબાવી હત્યા કરી

વાપીમાં બાળકીની લટકતી મળેલી લાશના પીએમમાં ખુલાસો

બાજુની રૂમમાં જમવા આવતા યુવકે જ નજર બગાડી કૃત્ય આચર્યું

વાપી: વાપી ટાઉનના એક વિસ્તારમાં ધોરણ-4માં અભ્યાસ કરતી 9 વર્ષીય બાળકી શુક્રવારે બપોરે ઘરમાં જ ફાસો ખાધેલી હાલતમાં મૃત મળી આવતા પોલીસે લાશને પેનલ પીએમ માટે સુરત સિવિલ હોસ્પિટલમાં મોકલાવતા બાળકી સાથે દુષ્કર્મ થયા બાદ તેનું ગળુ દબાવી હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. ઘટનાને અંજામ આપી આરોપી માસૂમ બાળકીને દુપટ્ટા વડે પંખાથી લટકાવી ભાગી ગયો હતો.

માતા નોકરી પર હોવાથી બાળકી એકલી જ હતી

બાળકીની માતા પણ જીઆઇડીસીની જે ટાઇપ વિસ્તારમાં આવેલી એક કંપનીમાં નોકરી કરતી હોવાથી બાળકી બપોર પછી રૂમમાં એકલી જ રહેતી હતી. આ એકલતાનો લાભ લઇને આરોપી રૂમમાં ઘુસી જઇને બાળકી સાથે દુષ્કર્મ કરીને હત્યા કરી હતી. પડોશમાં રહેતી મહિલા જ્યારે થાળી આપવા ગઇ ત્યારે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.

ઘટના બાદ આરોપી આરામથી ફરતો રહ્યો

આરોપી થોડા સમય પહેલાં જ બિહારથી વાપી આવી નોેકરીએ લાગ્યો હતો. બીલકુલ અભણ આરોપી બપોરે 2થી 4 વચ્ચે ઘટનાને અંજામ આપી કંઇક થયું જ નથી તે રીતે તેના વિસ્તારમાં ફરી રહ્યો હતો. 2-3 સ્થાનિકે તેને બાળકીના ઘરે ઘટનાના દિવસે ફેરો મારતા જોયો હોય પોલીસને જાણ કરતા એક શકના આધારે પોલીસે અટક કરી પૂછપરછ હાથ ધરી છે.