દિલ્હી : વિધાનસભાની 70 બેઠક માટે મતદાન શરૂ, 672 ઉમેદવાર મેદાનમાં; છેલ્લી 4 ચૂંટણીમાં વોટિંગ 7 ટકા ઘટ્યું

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી-2020 માટે આજે મતદાન શરૂ થઈ ગયું છે. કુલ 70 બેઠક માટે 672 ઉમેદવાર મેદાનમાં છે. અગાઉ વર્ષ 2015માં દિલ્હી વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. આમ આદમી પાર્ટી (AAP)એ 70 પૈકી 67 બેઠક પર જીત મેળવી રાજકીય પંડિતોને ચોકાવી દીધા હતા. ભાજપને ફક્ત 3 બેઠક જ મળી હતી. 15 વર્ષ દિલ્હીની સત્તા પર રહેલી કોંગ્રેસનું ખાતુ પણ ખુલ્યું ન હતું.

આ વખતે પણ મુખ્ય સ્પર્ધા તો ભાજપ અને AAP વચ્ચે જ દેખાય છે. જોકે, કોંગ્રેસનો દાવો છે કે દિલ્હીના પરિણામો સૌને માટે આશ્ચર્યજનક રહેશે. CAA વિરોધી પ્રદર્શનનું કેન્દ્ર બનેલું શાહીન બાગ (ઓખલા વિધાનસભા ક્ષેત્ર)માં પાંચ પોલિંગ બૂથ છે. અહીં સુરક્ષા વ્યવસ્થાની વિશેષ તૈયારી કરવામાં આવી છે.

મુખ્ય મુદ્દા અને વચન

આમ આદમી પાર્ટીઃ મફત વીજળી-પાણી. હોસ્પિટલ અને શાળાની સારી સુવિધા. આગામી સરકારમાં કરવામાં આવનારા કામોની ગેરન્ટી કાર્ડ.

ભાજપઃ જ્યાં ઝૂંપડપટ્ટી છે ત્યાં મકાન. 5 વર્ષમાં 10 લાખ નોકરીનું વચન. દરેક ઘરમાં શુદ્ધ પાણી આપવું.

કોંગ્રેસઃ શીલા દિક્ષીતવાળી દિલ્હી આપશું. તેઓ ત્રણ વખત CM રહ્યા. વૃદ્ધોને શીલા પેન્શન આપવાનું વચન.

ગેરકાયદેસર કોલોનીયોમાં 30 લાખ કરતા વધારે મતદાતા

દિલ્હીના આશરે 1800 ગેરકાયદેસર કોલોનીમાં 30 લાખ કરતા વધારે મતદાતા હોવાનું રાજકીય પક્ષોએ આંકલન કર્યું છે. આ કોલોનિયો લગભગ 40 વિધાન સભા બેઠકને આવરે છે. પક્ષોનો એવો પણ દાવો છે કે 30 કરતા વધારે વિધાનસભા બેઠક એવી છે કે જ્યાં કોલોનીના મતદાતા હાર-જીત નક્કી કરે છે. એટલે જ તો ગેરકાયદેસર કોલોનીઓ અંગે AAP અને ભાજપ દ્વારા મહત્વની જાહેરાત કરાઈ છે.

દિલ્હી વિધાનસભા ચૂંટણી 2015ના પરિણામ (70 બેઠક)

પાર્ટી સીટ વોટ શેર
AAP 67 54.40%
ભાજપ 3 32.10%
કોંગ્રેસ 0 9.60%

કુલ વોટર્સ: 1,33,13,295
વોટિંગ થયું: 89,36,159 (67.1%)

દિલ્હી લોકસભા ચૂંટણી 2019ના પરિણામ (7 બેઠક)

પાર્ટી સીટ વોટ શેર
APP 0 18.10%
બીજેપી 7 56.50%
કોંગ્રેસ 0 22.50%

કુલ વોટર્સ: 1,43,16,453

વોટિંગ થયું: 86,79,012 (60.6%)