અમદાવાદ : રૂ.18 લાખની લાંચ લેતા ઝડપાયેલા પીઆઈ ડી.ડી. ચાવડાની વધુ એક ગુનામાં ધરપકડ

અમદાવાદઃ લાંચ મામલે જૂનાગઢ એસીબી પીઆઇ ડી.ડી. ચાવડા(દેવેન્દ્ર ચાવડા)ની ધરપકડ કરવામાં આવી છે. જૂનાગઢમાં રૂ.18 લાખની લાંચ લેતા ઝડપાયેલા ડી.ડી. ચાવડાની રાજકોટના એસીબી આસિસ્ટન્ટ ડાયરેક્ટરે ચાવડાની ધરપકડ કરી છે. આ પહેલા જૂનાગઢ સેશન્સ કોર્ટે ચાવડાની આગોતરા જામીન અરજી ફગાવી દેતા એસીબીને ટ્રાન્સફર વોરન્ટ મળ્યું હતું. જેથી આજે(19 જાન્યુઆરી) તેને સાબરમતી જેલમાંથી રાજકોટ લઈ જવામાં આવ્યા હતા જ્યાં વધુ એક ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે ડી.ડી.ચાવડાની પૂછપરછ ચાલી રહી છે અને આવતીકાલે તેને કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડ માંગવામાં આવશે.

સનાથલ ચોકડી પાસે પ્રસાદના ડબ્બામાં રૂ.18 લાખની લાંચ લેતા ઝડપાયા હતા
ગત ડિસેમ્બરમાં જૂનાગઢ એસીબીના પી.આઈ. ડી.ડી. ચાવડા ઓફિસ કામથી અમદાવાદ ખાતે ACBની વડી કચેરીએ આવ્યા હતા. કચેરીમાં કામ પૂર્ણ કર્યા પછી જૂનાગઢ જવા નીકળ્યા હતા. આ દરમિયાન સનાથલ ચોકડી પાસે તેમને નિશ્ચિત વ્યક્તિઓ મળી હતી અને મિઠાઈના બોક્સ આપ્યાં હતાં. પી.આઈ. ચાવડાએ જેવા બોક્સ સ્વિકાર્યા તે સાથે જ અમદાવાદ ACBની ટીમે તેમને ઘેરી લીધાં હતાં. વર્ષ 2018માં જૂનાગઢ ACBમાં ગૌચર જમીનના કેસમાં પૂર્વ સરપંચને આરોપીના બદલે સાક્ષી તરીકે લેવાના મુદ્દે લાંચ માગવામાં આવી હતી. ગૌચર જમીન કેસમાં પોરબંદરથી બે-ત્રણ અરજી આવી હતી તેનો નિકાલ કરવા માટે કુલ રૂ.20 લાખ મગાયા હતા, તેમાં નક્કી થયેલા રૂ.18 લાખ સ્વિકારતાં જૂનાગઢ ACB પી.આઈ. ડી.ડી. ચાવડા અમદાવાદ ACBના હાથે ઝડપાયા હતા.

જૂનાગઢના ડોક્ટરે રૂ.15 લાખની લાંચ માંગવા બદલ ફરિયાદ કરી હતી
રૂ. 18 લાખની લાંચ લેતા ઝડપાયા બાદ ડી.ડી. ચાવડા સામે જૂનાગઢમાં હોસ્પિટલ ધરાવતા ડોક્ટરે રૂ.15 લાખની લાંચ માંગવાનો કેસ કર્યો હતો. ફરિયાદી ડોક્ટર અને તેના મિત્ર જૂનાગઢમાં હોસ્પિટલ ચલાવી છે. આ હોસ્પિટલ રહેણાંક વિસ્તારમાં હોવાથી આ અંગે કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો છે. જેની કોર્ટ કાર્યવાહી ચાલુ હતી આ દરમિયાન ખાનગી વ્યક્તિ દ્વારા તેમની વિરૂદ્ધ જૂનાગઢમાં હોસ્પિટલના બાંધકામ તથા વપરાશ સંબંધિત જુદી જુદી અરજીઓ થઇ હતી. જેથી ચાવડાએ ડોક્ટરનો સંપર્ક કરી આ અરજીની તપાસ પોતાની પાસે હોવાનું જણાવી ફરિયાદી ડોક્ટર પાસેથી રૂ.15 લાખ રૂપિયાની માગણી કરી હતી. તેમજ વોટ્સએપ કોલક ધમકી આપી હતી કે, તું તોપના નાળચા ઉપર બેઠો છે અને હું ઉડાડીશ એટલે બધાને અસર થશે.