અતિથિ દેવો ભવ: : ઊંઝામાં લક્ષચંડીના યજમાનોને હોટેલ નહીં, પાટીદારોનાં ઘરોમાં ઉતારો અપાશે

ઊંઝામાં 18થી 22 ડિસેમ્બર સુધી યોજાનારા લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં વિદેશથી આવનારા યજમાનોને હોટેલ નહિ પણ પાટીદારોનાં 2500 ઘરમાં ઉતારો અપાશે. લક્ષચંડી મહાયજ્ઞના હજારો યજમાનોને ઉતારો આપવા માટે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જે યજમાનનો પાટલો નક્કી થશે તેને મહાયજ્ઞના 2 દિવસ પહેલાં ઊંઝા ખાતે તૈયાર કરાયેલા ‘અતિથિ દેવો ભવ’ ભવનમાં પહોંચવાનું રહેશે. સાત મહિલાઓની સાત ટીમો ઊંઝાના દરેક ઘરમાં ફરીને ઘરના માલિકને અતિથિ દેવો ભવ:નું સૂત્ર સમજાવશે. ઘરમાંજ યજ્ઞના યજમાનોને ઉતારો અપાશે. મકાન માલિક યજમાનની આરતી ઉતારી ઘરમાં પ્રવેશ કરાવશે.

આજે 9.30 વાગ્યે 1 હજારથી વધુ લોકો રસોડામાં જઈ ચૂલાનું પૂજન કરશે

ઊંઝા ખાતે આજે સવારે 9.30 વાગ્યે 1 હજારથી વધુ શોભા યાત્રા કાઢીને રસોડા વિભાગ તૈયાર કરવામાં આવેલા ચૂલાનું પૂજન કરવામાં આવશે, જેમાં ચૂલાની આરતી કરવામાં આવશે. ઉપરાંત અગ્નિદેવને પ્રાર્થના કરવામાં આવશે. આ રસોડા સેવા માટે આશરે રાજ્યભરના વિવિધ જગ્યાએથી 250થી વધુ રાજ પુરોહિતો બોલવામાં આવ્યા છે. આજથી તમામ રાજ પુરોહિત રસોડા ભવનમાં હાજર રહેશે.

20 હજાર મહિલા ‘માનું તેડું’ નામથી મેંદી મૂકીને ગિનીસ બુકમાં નામ નોંધાવશે

ઉમિયા માતાજીના લક્ષચંડી મહાયજ્ઞમાં 50 લાખથી વધુ દર્શનાર્થીઓ આવવાની તૈયારીના ભાગરૂપે દર્શન કમિટિ દ્વારા ઐઠોર ચોકડીથી નિજ મંદિર સુધી કોરિડોરની રચના કરવામાં આવી છે, જેથી ધક્કા મૂકી વગર અને સરળતાથી માતાજીનાં દર્શનનો લાભ મળી શકે. આ ઉપરાંત નિજ મંદિરમાં પણ પેવેલિયન સ્ટેજ મુજબ વ્યવસ્થા 8 લાઈન કરાઈ છે, જેથી પહેલીથી છેલ્લી લાઇન સુધીમાં દર્શન થઈ શકશે.

એસટી વિભાગ એકસ્ટ્રા બસો દોડાવશે

એસટી વિભાગ લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવને પગલે 18થી 22 ડિસેમ્બર સુધી એક્સ્ટ્રા બસો દોડાવશે. મહેસાણા, પાલનપુર, ભુજ, હિંમતગર, અમદાવાદ, સહિત વિવિધ જિલ્લાના ડેપોથી એક્સ્ટ્રા બસો મુકાશે. બુથ નં.1 પરથી કેવલેશ્વર મહાદેવ મંદિરથી પાછળ એક્સટ્રા બુથ પરથી સાંબરકાંઠા, ગોધરા, ગાંધીનગર, વિસનગર, તરફ જવા આવવા માટે એકસ્ટ્રા બસો તથા બુથ નં. 2 પરથી મલાઈ તળાવ તરફના એક્સ્ટ્રા એસટી બુથ પરથી બનાસકાંઠા, પાટણ, કચ્છ, વડનગરની બસ દોડાવાશે.

‘માનું તેડું’ નામથી મેંદીનો રેકોર્ડ બનશે

લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં મહિલા મંડળની 2 હજાર મહિલાઓ દ્વારા ‘માનું તેડું’ નામથી મેંદી મૂકીને ગિનીસ બુકમાં નામ નોંધાવવામાં આવશે. 15 ડિસેમ્બરથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મેંદી મૂકનારી 2 હજાર મહિલાઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. તમામ મહિલાઓ જય ઉમિયા માતાજી અને માનું તેડુંના નામની મેંદી મૂકવામાં આવશે. આ વર્લ્ડ રેકોર્ડ માટે મોટી સંખ્યામાં મેંદી મગાવવામાં આવી છે. આ રીતે મહાયજ્ઞ મહોત્સવમાં મહિલાઓ વિશેષ ભૂમિકા ભજવશે.