DPSની નકલી NOC કેસ : મંજુલા પૂજા શ્રોફ, હિતેન વસંત-અનિતા દુઆની ગમે ત્યારે ધરપકડ, ગ્રામ્ય કોર્ટે આગોતરા જામીન ફગાવ્યા

અમદાવાદ: બોગસ એનઓસીથી ડીપીએસ ઈસ્ટ સ્કૂલ શરૂ કરી 10 વર્ષમાં 1750 વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બનાવી દેનાર ડીપીએસના એમડી અને સીઈઓ મંજુલા પૂજા શ્રોફ, કેલોરેક્સના પૂર્વ ટ્રસ્ટી હિતેન વસંત અને ડીપીએસ ઈસ્ટના પૂર્વ પ્રિન્સિપાલ અનિતા દુઆના આગોતરા જામીન ગ્રામ્યા જિલ્લા સેશન્સ જજ તરુણા રાણાએ નામંજૂર કર્યા છે. કોર્ટે નોંધ્યું હતું કે, એનઓસી મહત્વનો દસ્તાવેજ છે. ત્યારે આરોપીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી સમાજમાં પ્રતિષ્ઠા ધરાવતા હોય અને વિવિધ એવોર્ડથી સન્માનિત હોવાથી તેમની પ્રતિષ્ઠાને નીચી પાડવા ગુનો નોંધેલ છે, તેવું પ્રથમદર્શનીય રીતે જણાતું નથી. ગુનાની તપાસમાં આરોપીઓની કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશનની જરૂર જણાય છે. જેથી તેઓના આગોતરા જામીન અરજી નામજૂર કરવા પ્રથમદર્શનીય રીતે ન્યાયી તથા યોગ્ય જણાય છે. 9 દિવસની સુનાવણી અને 3 મુદત બાદ આપેલા ચુકાદાને લીધે ગમે તે ઘડીએ ત્રણેયની ધરપકડ થશે.

મંજુલા પૂજા શ્રોફ: ઉચ્ચ શિક્ષિત હોવાથી ખોટી સહી કરી શકાય નહીં

21 જૂન 2010 ના રોજ ડીપીએસ ઇસ્ટ સ્કૂલ પાસે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ તરફથી તેઓની સ્કૂલ સીબીએસઇ સાથે જોડાણ કરવા માટે જે એનઓસી જોઇએ તે એનઓસી ન હતી. એનઓસી મેળવવા માટે કરેલ દરખાસ્તમાં જૂન 2011થી સ્કૂલ ચાલુ કરવા માંગે છે. પરંતુ શાળા 2008 માં ચાલુ કરી દીધેલ છે. એનઓસી મેળવવા જે દરખાસ્ત કરેલી જેમાં મંજુલા શ્રોફે સહી કરેલી છે. એનએ તથા એનઓસી માહિતી ખોટી રજૂ કરેલી છે. બે વખત એનઓસી માંગવા માટે શિક્ષણ વિભાગને દરખાસ્ત કરેલ છે. જે બન્ને વખતે નામંજૂર થયેલ છે. તો એનઓસી કયારે? કોની પાસેથી મેળવેલ છે? તે પ્રશ્ન ઉપસ્થિત થાય છે. હાઇલી ક્વોલિફાઇડ અને સમાજમાં પ્રતિષ્ઠા ધરાવતા હોય તો ઓનલાઇન ફોર્મમાં તેમની સહી-સિક્કો હોય તો તે અંગેની વિગતો પ્રત્યેની જવાબદારી તેમની રહે છે.

હિતેન વસંત: રાજીનામું આપવાથી જવાબદારીમાંથી છટકી શકાય નહીં

હાઇલી શિક્ષિત હોવાથી ફોર્મમાં સહી-સિક્કા કરવા તેમજ તેમાં રહેલી માહિતીથી તેઓ વાકેફ ના હોય તે માનવાને લાયક નથી. કંપનીના ડિરેકટરના હોદ્દા ઉપરથી રાજીનામું આપી દીધું હોવાના કારણે તેમની જવાબદારીમાંથી છટકી શકે નહીં. ગુજરાત સરકારને એનઓસી મેળવવા માટે કરેલી અરજીમાં તેમણે સહી કરી હતી. ત્યારબાદ 8 ઓગસ્ટના 2012 ના રોજ સીબીએસઇએ ફ્રેસ કંપોઝિટ પ્રોવિઝનલ સર્ટિ ઈશ્યૂ કરેલ છે. જયારે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ગુજરાતના હેડ નીચે થયેલ અરજી જોતાં રાજ્ય સરકાર તરફથી એનઓસી મેળવેલાનું જણાવે છે. તેમજ જમીનના માલિક હોવાનું પણ જણાવે છે. જેમાં 21 જૂન 2010ના રોજની ઓનલાઇન અરજીના આધારે સેકન્ડરી લેવલ સુધીનું ઇશ્યૂ થયેલ છે. એનઓસીની અરજીમાં હિતેન વસંતે સહી કરી હતી.

અનિતા દુઆ: મંજૂરી વિના 2011ના બદલે 2008માં સ્કૂલ શરૂ કરી દીધી

પ્રિન્સિપાલની રૂએ કરેલી એનઓસીની અરજીમાં સહી-સિક્કા કર્યા કર્યા હતા. અરજીમાં શાળા વર્ષ 2011 માં શાળા ચાલુ કરવા માંગે છે. જ્યારે શાળા ખરેખર વર્ષ 2008 થી ચાલુ થઇ ગયેલ છે. વર્ષ 2012 માં અરજી કરેલી જેમાં સંસ્થાનું બિલ્ડિંગ જે જમીન પર બાંધવામાં આવેલ તે ખેતીની જમીન છે. બિનખેતી અંગેનો હુકમ થયેલો ના હોઇ રાજ્ય સરકારે એનઓસી આપી નહોતી. સીબીએસઇએ ડીપીએસ ઇસ્ટ સ્કૂલનું ઇન્સ્પેકશન કર્યુ ત્યારે શાળા તરફથી 27 જુલાઇ 2010ના રોજની એનઓસીની ઝેરોક્સ નકલ રજૂ કરાઈ હતી. જેની નકલ કોને-કોને મોકલાવેલી તે વિગતોમાં ચેરમેન, ગુજરાત સેકન્ડરી અને હાયર સેકેન્ડરી એજયુકેશન બોર્ડ ગાંધીનગર, મેનેજિંગ ટ્રસ્ટી કેલોરેક્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનને આપેલી. જેમાં દુઆએ પ્રિન્સિપાલ તરીકે સહી-સિક્કા કર્યા હતા.

મંજુલા શ્રોફના વસ્ત્રાપુરના બંગલે પોલીસનું મધરાતે સર્ચ

કોર્ટે આગોતરા જામીન ફગાવ્યા બાદ ગ્રામ્ય પોલીસે મધરાતે મંજુલા શ્રોફના વસ્ત્રાપુર ખાતેના બંગલે અને હિતેન વસંતના ઘરે સર્ચ કર્યું હતું. જો કે, તેઓ મળી આવ્યા ન હોવાનું પોલીસનું કહેવું છે. આગોતરા રદ થતાં પોલીસ ગમે તે ઘડીએ ત્રણેયની ધરપકડ કરી શકે છે.

નીચલી કોર્ટના હુકમને હાઇકોર્ટમાં પડકારી શકે

ગ્રામ્ય સેશન્સ કોર્ટે કરેલા હુકમથી ત્રણેય આરોપી માટે ધરપકડથી બચવા હાઇકોર્ટનો રસ્તો હજુ ખુલ્લો છે. ત્રણેય આરોપી આગામી દિવસમાં હાઇકોર્ટમાં અપીલ કરશે.