ક્રિકેટ : પૃથ્વી શોએ બરોડા સામે રણજી ટ્રોફીના ઇતિહાસની ત્રીજી સૌથી ઝડપી ડબલ સેન્ચુરી ફટકારી

સ્પોર્ટ્સ ડેસ્ક: ડોપિંગ પ્રતિબંધ પછી વાપસી કરનાર પૃથ્વી શોએ બુધવારે રણજી ટ્રોફીમાં બરોડા સામે ટૂર્નામેન્ટના ઇતિહાસની ત્રીજી સૌથી ઝડપી ડબલ સેન્ચુરી મારી હતી. શોએ 174 બોલમાં 200 રન પૂરા કર્યા હતા. આ તેના કરિયરની પહેલી ડબલ સેન્ચુરી છે. રણજીમાં સૌથી ઝડપી ડબલ સેન્ચુરીનો રેકોર્ડ ભારતીય કોચ રવિ શાસ્ત્રીના નામે છે. શાસ્ત્રીએ 123 બોલમાં ડબલ સેન્ચુરી મારી હતી. રાજેશ બોહરા 156 બોલ સાથે આ સૂચિમાં બીજા સ્થાને છે. શો 202 રનના વ્યક્તિગત સ્કોરે આઉટ થયો હતો. તે પછી મુંબઈએ 533 રનની લીડ સાથે ઇનિંગ્સ ડિક્લેર કરી હતી.

આ પહેલા શોએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ચાર ઇનિંગ્સમાં બે ફિફટી મારી હતી. તેણે મેચની પહેલી ઇનિંગ્સમાં 62 બોલમાં 66 રન કર્યા હતા. તે પછી બીજી ઇનિંગ્સમાં 84 બોલમાં સદી મારી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફેબ્રુઆરીમાં ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝમાં શો ટીમ ઇન્ડિયામાં ત્રીજા ઓપનર તરીકે સ્થાન મેળવવા પ્રબળ દાવેદાર છે. તાજેતરમાં શોએ કહ્યું કે, ” દુનિયા હવે નવા પૃથ્વી શોને જોશે.”

ટેસ્ટ ડેબ્યુમાં સદી મારી હતી
શોએ પોતાની ડેબ્યુ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝ સામે સદી મારી હતી. તે પછી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ઇજાના કારણે તેને શ્રેણીમાંથી બહાર થવું પડ્યું હતું. ગયા મહિને તેણે આસામ સામેની મેચથી ડોમેસ્ટિક ક્રિકેટમાં વાપસી કરી હતી. તેણે તે મેચમાં આક્રમક 63 રન કર્યા હતા. તે ટૂર્નામેન્ટમાં તેણે ચાર ઇનિંગ્સમાં 63, 30, 30, અને 53 રનની ઇનિંગ્સ રમી હતી. જોકે મુંબઈ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની સેમિફાઇનલમાં પહોંચી શક્યું ન હતું.