મુંબઈ : ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામે સતત ત્રીજી સીરિઝ જીતી, ત્રીજી T-20માં 67 રને હરાવ્યું

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતે ત્રણ મેચની સીરિઝની અંતિમ T-20માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે વેસ્ટ ઇન્ડિઝને 67 રને હરાવ્યું હતું. આ સાથે ભારતે 2-1થી સીરિઝ પોતાના નામે કરી હતી. 241 રનનો પીછો કરતા વેસ્ટ ઇન્ડિઝની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 173 રન જ કરી શકી હતી. ભારત વિન્ડીઝ સામે સતત ત્રીજી T-20 સીરિઝ જીત્યું છે. ભારતે 2018માં વેસ્ટ ઇન્ડિઝને 3-0થી અને આ વર્ષે જ ઓગસ્ટમાં પણ 3-0થી હરાવ્યું હતું.

લેન્ડલ સિમન્સને આઉટ કર્યા પછી સાથી ખેલાડીઓ સાથે ઉજવણી કરતો મોહમ્મદ શમી.

ભારતની રનના માર્જિનથી વેસ્ટ ઇન્ડિઝ સામે બીજી સૌથી મોટી જીત છે. આ પહેલા ભારતે 2018માં લખનૌમાં વિન્ડીઝને 71 રને હરાવ્યું હતું. રનચેઝમાં વિન્ડીઝ માટે કેપ્ટન કાયરન પોલાર્ડે સૌથી વધુ 69 રન કર્યા હતા. ભારત માટે દિપક ચહર, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી અને કુલદીપ યાદવે 2-2 વિકેટ લીધી હતી.

India vs West Indies third T20I live updates

T-20માં સૌથી વધુ મેચ હારનાર ટીમની સૂચિમાં વિન્ડીઝે શ્રીલંકાની બરાબરી કરી: વેસ્ટ ઇન્ડિઝ આજે 61મી વાર T-20 ફોર્મેટમાં હાર્યું હતું. તેણે આ મામલે શ્રીલંકાની બરાબરી કરી છે. બાંગ્લાદેશ 60 હાર સાથે સૂચિમાં બીજા સ્થાને છે. જયારે ન્યૂઝીલેન્ડ 56, પાકિસ્તાન 55 અને ઝિમ્બાબ્વે 54 હાર સાથે અનુક્રમે ત્રીજા, ચોથા અને પાંચમા ક્રમે આવે છે.

ભારતીય ઓપનર્સે 48 બોલમાં 100 રનની પાર્ટનરશીપ પૂરી કરી હતી.

ભારતે વિન્ડીઝને 241 રનનો લક્ષ્યાંક આપ્યો

ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામેની અંતિમ T-20માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે 20 ઓવરમાં 3 વિકેટે 240 રન કર્યા છે. લોકેશ રાહુલ અને રોહિત શર્માએ ટીમને શાનદાર શરૂઆત અપાવતા 8 ઓવરમાં 100 રન પૂરા કર્યા હતા. બંનેએ પ્રથમ વિકેટ માટે 135 રનની ભાગીદારી કરી હતી. રાહુલે 56 બોલમાં 9 ચોક્કા અને 4 છગ્ગાની મદદથી 91 રન કર્યા હતા. જ્યારે રોહિતે 34 બોલમાં 71 રન કર્યા હતા.

India vs West Indies third T20I live updates

કોહલીએ 241ની સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી, 29 બોલમાં 70 રન કર્યા

કપ્તાન વિરાટ કોહલીએ ઓપનર્સે આપેલી શરૂઆતનો ફાયદો ઉઠાવતા 29 બોલમાં 7 છગ્ગા અને 4 ચોક્કાની મદદથી 70 રન કર્યા હતા. કોહલી આજે ચોથા ક્રમે બેટિંગ કરવા આવ્યો હતો. ઋષભ પંતને ત્રીજા ક્રમે પ્રમોટ કરવામાં આવ્યો હતો. જોકે તે ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન ભેગો થયો હતો. વિન્ડીઝ માટે પોલાર્ડ, વિલિયમ્સ અને કોટરલે 1-1 વિકેટ લીધી હતી.

India vs West Indies third T20I live updates

રોહિત ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 400 સિક્સ ફટકારનાર ત્રીજો બેટ્સમેન બન્યો

રોહિતે 23 બોલમાં કરિયરની 19મી ફિફટી પૂરી કરી હતી. તે 34 બોલમાં 71 રન કરીને વિલિયમ્સની બોલિંગમાં વોલ્શના હાથે કેચ આઉટ થયો હતો. રોહિત ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 400 સિક્સ ફટકારનાર ત્રીજો બેટ્સમેન બન્યો છે. તેની પહેલા ક્રિસ ગેલ (534 સિક્સ) અને શાહિદ આફ્રિદી (476) આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.

ખેલાડી દેશ સિક્સ
ક્રિસ ગેલ વેસ્ટ ઇન્ડિઝ 534
શાહિદ આફ્રિદી પાકિસ્તાન 476
રોહિત શર્મા ભારત 404

જ્યારે T-20માં એક ટીમના ત્રણ ખેલાડીઓએ 50થી વધુનો સ્કોર કર્યો:

  • ઇન્ડિયા vs ઇંગ્લેન્ડ, ડર્બન 2007
  • સાઉથ આફ્રિકા vs ઇંગ્લેન્ડ, મુંબઈ 2016
  • ઓસ્ટ્રેલિયા vs શ્રીલંકા, એડિલેડ 2019
  • ઇન્ડિયા vs વેસ્ટ ઇન્ડિઝ, મુંબઈ 2019

પ્રથમ બેટિંગ કરતા ભારતનો પાવરપ્લેમાં હાઈએસ્ટ સ્કોર:

  • 78/2 v SA, જોહાનેસબર્ગ, 2018
  • 72/0 v WI, મુંબઈ, આજે
  • 70/0 v SL, રાંચી, 2016

વિન્ડીઝે ટોસ જીતીને બોલિંગ લીધી

વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન કાયરન પોલાર્ડે ત્રીજી T-20માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ભારત સામે ટોસ જીતીને બોલિંગ લીધી છે. વિન્ડીઝે પોતાની પ્લેઈંગ 11માં કોઈ ફેરફાર કર્યો નથી. ભારતીય ટીમમાં રવિન્દ્ર જાડેજા અને યૂઝવેન્દ્ર ચહલની જગ્યાએ મોહમ્મદ શમી અને કુલદીપ યાદવને જગ્યા મળી છે. સીરિઝ 1-1ની બરાબરી પર છે અને ત્રણ T-20ની સીરિઝની આ નિર્ણાયક મેચ છે. ભારત હૈદરાબાદ ખાતેની પહેલી T20 6 વિકેટે જીત્યું હતું, જ્યારે વિન્ડિઝે તિરુવનંથપુરમમાં 8 વિકેટે મેચ જીતીને સીરિઝ જીવંત રાખી હતી.

ભારતની પ્લેઈંગ 11: રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ ઐયર, ઋષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, દિપક ચહર અને કુલદીપ યાદવ

વેસ્ટ ઇન્ડિઝની પ્લેઈંગ 11: લેન્ડલ સિમન્સ, એવિન લુઈસ, બ્રેન્ડન કિંગ, નિકોલસ પૂરન(વિકેટ કીપર), શિમરોન હેટમાયર, કાયરન પોલાર્ડ (કેપ્ટન), જેસન હોલ્ડર, ખેરી પિયર, હેડન વોલ્શ, શેલ્ડન કોટરેલ અને કે વિલિયમ્સ

ભારત વેસ્ટ ઈન્ડિઝ હેડ ટુ હેડ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અત્યાર સુધી 16 T-20 રમાઈ છે. આ પૈકી ભારતે 9 મેચ જીતી હતી, જ્યારે 6માં હારનો સામનો કર્યો હતો. એક મેચમાં રિઝલ્ટ આવ્યું ન હતું. બન્ને દેશ વચ્ચે ગત સીરિઝ અમેરિકા-વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ હતી. જેમાં ભારતે 3-0થી જીત મેળવી હતી.