રિપોર્ટ : ધવન વેસ્ટ ઇન્ડિઝ સામેની વનડે સીરિઝમાંથી બહાર થઇ શકે છે, હજી સુધી ઇજામાંથી સ્વસ્થ થયો નથી

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ઓપનર શિખર ધવન વેસ્ટ ઇન્ડિઝ સામે 15 ડિસેમ્બરથી શરૂ થતી ત્રણ વનડેની સીરિઝમાંથી બહાર થઇ શકે છે. તેની વિન્ડીઝ સામેની T-20 સીરિઝ માટે પસંદગી થઇ હતી, પરંતુ ઘૂંટણની ઇજાના લીધે ભાગ લઇ શક્યો ન હતો. રિપોર્ટ્સ અનુસાર ધવન ઇજામાંથી સ્વસ્થ થયો નથી અને વનડે સીરિઝની પણ બહાર થઇ શકે છે. સૈયદ મુસ્તાક અલી અલી ટ્રોફીમાં મહારાષ્ટ્ર સામેની મેચમાં તે ઈજાગ્રસ્ત થયો હતો. બીસીસીઆઈએ T-20 સીરિઝ પહેલા કહ્યું હતું કે, ‘ ધવનને 100% ફિટ થવા માટે વધુ સમય જોશે.’

T-20માં ધવનની જગ્યાએ સેમસનને શામેલ કરવામાં આવ્યો

વનડે સીરિઝ પહેલા ધવનની જગ્યાએ અન્ય કોઈ ખેલાડીની ટીમમાં એન્ટ્રી થઇ શકે છે. T-20 સીરિઝમાં તેના સ્થાને વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમ્સનનો સ્ક્વોડમાં સમાવેશ થયો હતો. જોકે સેમસનને પ્રથમ બે T-20માં તક મળી ન હતી. સેમસન સિવાય શુભમન ગિલ અને મયંક અગ્રવાલના નામ પર પણ વિચારણા થઇ શકે છે.

વેસ્ટ ઇન્ડિઝ સામેની વનડે સીરિઝ માટે ભારતીય ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, ઋષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, દિપક ચહર, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમાર