કારવાઈ : ડોપિંગના લીધે રશિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ, ઓલિમ્પિક અને ફૂટબોલ વર્લ્ડ કપમાં ભાગ લઇ શકશે નહીં

સ્પોર્ટ્સ ડેસ્ક: વર્લ્ડ એન્ટી ડોપિંગ એજેન્સી (WADA)એ સોમવારે રશિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ મૂક્યો હતો. રશિયા હવે 2020 ટોક્યો ઓલિમ્પિક અને 2022ના ફૂટબોલ વર્લ્ડ કપ સહિત કોઈપણ સ્પોર્ટીંગ ઇવેન્ટમાં ભાગ લઇ શકશે નહીં. WADAની કમિટીએ કહ્યું કે, રશિયા પર આરોપ હતો કે તે ડોપ ટેસ્ટ માટે એથ્લીટ્સના ખોટા સેમ્પલ મોકલી રહ્યું હતું. તપાસમાં સામે આવ્યું હતું કે, રશિયાએ સેમ્પલ્સમાં છેડછાડ કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે મોસ્કોએ પોઝિટિવ ડોપિંગ ટેસ્ટ સંબંધિત ફાઈલો પણ ડીલીટ કરી હતી. WADAના અધિકારીએ કહ્યું કે, રશિયા પર પ્રતિબંધનો નિર્ણય આખી કમિટીનો હતો અને દરેક સદસ્ય આની તરફેણમાં હતું.

સ્વિત્ઝર્લેન્ડમાં WADAની 12 સદસ્યની કમિટીએ રશિયા વિરુદ્ધ પ્રતિબંધનો પ્રસ્તાવ કર્યો હતો. રશિયાની એન્ટી ડોપિંગ એજેન્સીના પ્રમુખ યૂરી ગાનસે પ્રતિબંધની જાણકારી આપી હતી. WADAના નિયમ અનુસાર જે ખેલાડીઓ ડોપિંગના આરોપી નથી તેઓ ન્યૂટ્રલ ખેલાડી તરીકે ઇન્ટરનેશનલ સ્પર્ધામાં ભાગ લઇ શકશે. રશિયાના ઓફિશિયલસે આ નિર્ણયને ખોટો કહ્યો છે અને જો તેઓ અપીલ કરે તો આ કેસ કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS) પાસે જશે.