બીજી T-20 : વેસ્ટ ઈન્ડિઝે આઠ મેચ પછી ભારતને હરાવ્યું, સિમન્સે ત્રણ વર્ષ પછી ફિફટી મારી

સ્પોર્ટ્સ ડેસ્ક: વેસ્ટ ઇન્ડિઝે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ભારતને 8 વિકેટે હરાવ્યું હતું. 171 રનનો પીછો કરતા વિન્ડીઝે 18.3 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો હતો. ઓપનર્સે રનચેઝમાં તેમને શાનદાર શરૂઆત અપાવી હતી. લેન્ડલ સિમન્સે 45 બોલમાં 4 ચોક્કા અને 4 છગ્ગાની મદદથી 67* રન કર્યા, જ્યારે એવીન લુઇસે 40 રન કર્યા હતા. સિમન્સે પોતાની છેલ્લી ફિફટી 2016માં ભારત સામે જ મુંબઈ ખાતે મારી હતી. વિન્ડીઝે આઠ મેચ પછી T-20માં ભારત સામે જીત મેળવી હતી, તેમણે ભારતને છેલ્લે 2017માં અમેરિકાના લાઉડરહિલ ખાતે હરાવ્યું હતું.

India West Indies second T20I live updates

નિકોલસ પૂરને 18 બોલમાં 38* રન કરીને ઇનિંગ્સને ફિનિશિંગ ટચ આપ્યો હતો. નોંધ લેવા જેવી વાત એ છે કે ભારતની ફિલ્ડિંગ આજે ઘણી નબળી રહી હતી. સિમન્સનો 6 રને સુંદરે અને લુઈસનો 16 રને ઋષભ પંતે કેચ છોડ્યો હતો. બંનેએ તેનો ફાયદો ઉઠાવ્યો હતો અને વિન્ડીઝે સીરિઝમાં બરોબરી કરી હતી. ત્રણ મેચની સીરિઝની ફાઇનલ બુધવારે મુંબઈ ખાતે રમાશે.

કોહલીએ શાનદાર કેચ કરીને હેટમાયરને આઉટ કર્યો

કોહલી લોન્ગ-ઓનથી જમણી બાજુ દોડ્યો, પૂરેપૂરો સ્ટ્રેચ થયો અને બે હાથે કેચ ઝડપ્યો. એટલું જ નહીં તે કરતા તેનું બેલેન્સ જતું રહ્યું હતું અને તે જાળવવું બહુ અઘરું હતું. તેણે સ્લાઈડ કરી અને બાઉન્ડ્રીને અડ્યા વગર ઉભો થયો! અદભુત કેચ! બેટ્સમેન હેટમાયર વિચારતો રહી ગયો કે જ્યાં મને સિક્સ મળવી જોઈતી હતી ત્યાં મારે પાછું પેવેલિયન ભેગું થવું પડ્યું, તે 23 રને જાડેજાનો શિકાર થયો. તે પહેલા એવીન લુઈસ 40 રને સુંદરની બોલિંગમાં કીપર પંત દ્વારા સ્ટમ્પ થયો હતો. સિમન્સનો 6 રને સુંદરે અને લુઈસનો 16 રને ઋષભ પંતે કેચ છોડ્યો હતો.

શિવમ દુબેએ પોતાની ઇનિંગ્સ દરમિયાન વિન્ડીઝના કપ્તાન પોલાર્ડની ઓવરમાં ત્રણ સિક્સ મારી હતી.

ભારતે વિન્ડીઝને 171 રનનો લક્ષ્યાંક આપ્યો

ભારતે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે વિન્ડીઝ સામે 20 ઓવરમાં 7 વિકેટે 170 રન કર્યા છે. વિન્ડીઝને સીરિઝમાં જીવંત રહેવા 171 રન કરવા જરૂરી છે. ટીમ ઇન્ડિયા માટે ત્રીજા ક્રમે બેટિંગ કરવા આવેલા શિવમ દુબેએ શાનદાર બેટિંગ કરતા 30 બોલમાં 54 રનની ઇનિંગ્સ રમી હતી. આ તેના કરિયરની મેડન ફિફટી હતી. તેના સિવાય ઋષભ પંતે પણ 22 બોલમાં 33* રનનું યોગદાન આપ્યું હતું. સ્ટાર 3- લોકેશ રાહુલ, રોહિત શર્મા અને વિરાટ કોહલી મોટો સ્કોર કરવામાં નિષ્ફ્ળ રહ્યા હતા. ત્રણેયે અનુક્રમે 11, 15 અને 19 રન કર્યા હતા. વિન્ડીઝ માટે હેડન વોલ્શ અને કે વિલિયમ્સે બે-બે વિકેટ ઝડપી હતી.

India West Indies second T20I live updates

કોહલી T-20માં હાઈએસ્ટ રન સ્કોરર બન્યો: વિરાટ કોહલી 19 રને વિલિયમ્સની બોલિંગમાં શોર્ટ થર્ડમેન પર સિમન્સના હાથે કેચ આઉટ થયો હતો. કોહલી આ ઇનિંગ્સમાં T-20 ઇન્ટરનેશનલમાં સર્વાધિક રન કરનાર બેટ્સમેન બન્યો હતો. તેના નામે હવે આ ફોર્મેટમાં 2563 રન છે. રોહિત શર્મા 2562 રન સાથે બીજા, જ્યારે કિવિઝનો માર્ટિન ગુપ્ટિલ 2436 રન સાથે ત્રીજા સ્થાને છે. કોહલીએ 69 ઇનિંગ્સમાં 51.26 એવરેજથી 2563 રન કર્યા છે. જ્યારે રોહિતે 95 ઇનિંગ્સમાં 31.62 એવરેજથી 2562 રન કર્યા છે. આ દરમિયાન કોહલીની સ્ટ્રાઇક રેટ 136.47 જ્યારે રોહિતની સ્ટ્રાઇક રેટ 136.93ની રહી છે.

T-20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ રન:

  • 2563 વિરાટ કોહલી
  • 2562 રોહિત શર્મા
  • 2436 માર્ટિન ગુપ્ટિલ
  • 2263 શોએબ મલિક

શિવમ દુબેએ આક્રમક બેટિંગથી મેચનું રૂપ બદલ્યું
બંને ઓપનર્સ સસ્તામાં આઉટ થયા પછી ભારત માટે ઓલરાઉન્ડર શિવમ દુબેએ મેચનું રૂપ બદલ્યું હતું. ત્રીજા ક્રમે બેટિંગ કરવા આવેલા શિવમે 27 બોલમાં પોતાની મેડન ફિફટી મારી હતી. તેમજ 30 બોલમાં ત્રણ ફોર અને ચાર સિક્સ થકી 54 રન ફટકાર્યા હતા. તેણે કોહલી સાથે ત્રીજી વિકેટ માટે 17 બોલમાં 41 રન ઉમેર્યા હતા. આ પાર્ટનરશીપમાં કોહલીનું યોગદાન માત્ર 5 રનનું હતું. શિવમ વોલ્શની બોલિંગમાં એક્સ્ટ્રા કવર પર હેટમાયરના હાથે કેચ આઉટ થયો હતો.

ધીમી પિચ પર ઓપનર્સનો નબળો દેખાવ

ભારતની શરૂઆત ખરાબ રહી હતી. બંને ઓપનર્સ બોલને ટાઈમ કરવામાં અસફળ રહ્યા હતા. લોકેશ રાહુલ 11 રને સ્પિનર ખેરીની બોલિંગમાં ડીપ બેકવર્ડ સ્કવેરલેગ પર હેટમાયરના હાથે કેચ આઉટ થયો હતો. તેના પછી રોહિત શર્મા 17 બોલમાં 15 રને હોલ્ડરની બોલિંગમાં બોલ્ડ થયો હતો.

વેસ્ટ ઇન્ડિઝે ટોસ જીતીને બોલિંગ લીધી

વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન કાયરન પોલાર્ડે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ટોસ જીતીને બોલિંગ લીધી છે. વેસ્ટ ઇન્ડિઝની ટીમમાં દિનેશ રામદીનની જગ્યાએ નિકોલસ પૂરનનો સમાવેશ થયો છે. ટીમ ઇન્ડિયાએ પોતાની પ્લેઈંગ 11માં કોઈ ફેરફાર કર્યો નથી. ભારત ત્રણ T-20ની સીરિઝમાં 1-0થી આગળ છે. ભારત આજે જીતશે તો વિન્ડીઝ સામે સતત ત્રીજી T-20 સીરિઝ પોતાના નામે કરશે.

ભારતની પ્લેઈંગ 11: રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ ઐયર, ઋષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, દિપક ચહર અને યુઝવેન્દ્ર ચહલ

વેસ્ટ ઇન્ડિઝની પ્લેઈંગ 11: લેન્ડલ સિમન્સ, એવિન લુઈસ, બ્રેન્ડન કિંગ, નિકોલસ પૂરન(વિકેટ કીપર), શિમરોન હેટમાયર, કાયરન પોલાર્ડ (કેપ્ટન), જેસન હોલ્ડર, ખેરી પિયર, હેડન વોલ્શ, શેલ્ડન કોટરેલ અને કે વિલિયમ્સ

ભારત વેસ્ટ ઈન્ડિઝ હેડ ટુ હેડ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અત્યાર સુધી 15 T-20 રમાઈ છે. આ પૈકી ભારતે 9 મેચ જીતી હતી, જ્યારે 5માં હારનો સામનો કર્યો હતો. એક મેચમાં રિઝલ્ટ આવ્યું ન હતું. બન્ને દેશ વચ્ચે ગત સીરિઝ અમેરિકા-વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ હતી. જેમાં ભારતે 3-0થી જીત મેળવી હતી