MCLR આધારિત લોન 0.05 ટકા સસ્તી, થાપણ દરોમાં પણ 0.15 ટકાથી 0.75 ટકા સુધી ઘટાડો

દેશની જાહેર ક્ષેત્રની સૌથી મોટી ધિરાણકર્તા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)એ તમામ મુદત માટે તેના ધિરાણ આધારિત સિમાંત ખર્ચના દર (MCLR)માં 5 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ નવા દરો 10મી નવેમ્બરથી અમલી બનશે. આ ઘટાડા બાદ એક વર્ષ માટે MCLR 8.05 ટકાથી ઘટી 8 ટકા થશે. આ સાથે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન બેન્કે સતત સાતમી વખત MCLR માં ઘટાડો કર્યો છે. અગાઉ બેન્કે ઓક્ટોબરમાં તેના MCLR માં તમામ મુદત માટે 10 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો હતો.SBI એ બાંધી મુદતની થાપણો (FD) પરના વ્યાજ દરમાં પણ ઘટાડો કર્યો છે.

અર્થવ્યવસ્થામાં પૂરતા પ્રમાણમાં તરલતાની સ્થિતિને સુનિશ્ચિત કરવા SBI દ્વારા 10મી નવેમ્બર,2019 થી અમલી બને તે રીતે તેના મુદતી થાપણો પરના વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. SBI એ રૂપિયા 2 કરોડ કરતાં ઓછી જમા રકમ પર 1 થી 2 વર્ષની અવધી માટે વ્યાજ દર 6.40 ટકાથી ઘટાડી 6.25 ટકા કરવામાં આવ્યો છે. જ્યારે સિનિયર સિટીઝન માટે દર 6.90 ટકાથી ઘટાડી 6.75 ટકા કરવામાં આવ્યો છે.