દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું, કહ્યું- અમારા મિત્ર શિવસેનાનો આભારી છું

 મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પરિણામો જાહેર થયાને આશરે બે સપ્તાહનો સમય પસાર થઈ ગયો છે, ભાજપ સરકાર રચવા હજુ સુઈ કોઈ દાવો રજૂ કર્યો નથી ત્યારે આજે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. દેવેન્દ્ર ફડણવીસ ગુરુવાર સાંજે ચાર વાગ્યે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળવા પહોંચ્યા હતા. ફડણવીસે કહ્યું કે રાજ્યપાલે મારું રાજીનામું સ્વિકારી લીધું છે. પાંચ વર્ષ માટે મહારાષ્ટ્રની સેવા કરવાની તક આપી તે માટે નરેન્દ્ર મોદી, અમિત શાહ, જેપી નડ્ડાનો હું આભારી છું. તેમણે એમ પણ કહ્યું કે અમારા મિત્ર શિવસેનાનો પણ હું આભારી છું.

ફડણવીસે કહ્યું- અમારો સ્ટ્રાઈક રેટ 70 ટકા રહ્યો

  • ફડણવીસે કહ્યું- ભાજપ-શિવસેના ગઠબંધનને મહારાષ્ટ્રની પ્રજાએ બહુમતી આપી. 160 કરતાં વધારે બેઠક ગઠબંધનને મળી. ભાજપને 105 બેઠક મળી. અમારો સ્ટ્રાઈક રેટ 70 ટકા રહ્યો છે. કમનસીબે અમને બેઠકો ઓછી મળી છે.
  • શિવસેનાના પ્રમુખે કહ્યું હતું કે પહેલી પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે અમે સરકાર બનાવવા તૈયાર હતા. બન્ને પક્ષના ઉમેદવાર ગઠબંધનના ઉમેદવાર તરીકે ચૂંટાઈને આવ્યા છે. તેમ છતાં બીજા પક્ષની તરફથી એવું કહેવામાં આવ્યું છે કે અમારી પાસે તમામ વિકલ્પ ખુલ્લા છે. આમ શાં માટે કહેવામાં આવ્યું, તે સમજવામાં ન આવ્યું.
  • તેમણે કહ્યું- અઢી વર્ષ (મુખ્યમંત્રી પદ) અંગે હું સ્પષ્ટ કહેવા માગુ છું કે મારી સમક્ષ ક્યારેય અઢી વર્ષના મુદ્દે ચર્ચા થઈ નથી. મારી સમક્ષ એવો કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી.
  • ઉદ્ધવ ઠાકરે અને અમારા પક્ષના અધ્યક્ષ વચ્ચે જો આવી કોઈ ચર્ચા થઈ હોય તો તે અંગે મારી સમક્ષ કોઈ જ જાણકારી નથી.
  • ફડણવીસે કહ્યું- 5 વર્ષ મહારાષ્ટ્રની સેવા કરવાની જે તક આપવામાં આવી તે બદલ હું નરેન્દ્ર મોદી, અમિત શાહ, જેપી નડ્ડાનો આભારી છું. હું મારા મિત્ર શિવસેનાનો પણ આભારી છું.