સલમાન ખાનની ‘રાધે’માં તમિળ એક્ટર ભરત નિવાસ મહત્ત્વના રોલમાં જોવા મળશે

 તમિળ એક્ટર ભરત નિવાસ હવે સલમાન ખાનની ફિલ્મ ‘રાધે’માં જોવા મળશે. ભરતે ટ્વિટર પર પોતાના આ બિગ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. આ પહેલાં ભરત બોલિવૂડ ફિલ્મ ‘જેકપોટ’માં જોવા મળ્યો હતો.

ભરતે શું કહ્યું?
આશાવાદમાં વિશ્વાસ કરવાથી હંમેશાં સફળતા મળે છે. ‘રાધે’નો ભાગ બનીને ખુશ. ભારતીય સિનેમાના મોસ્ટ વોન્ટેડ ભાઈ સાથે કામ કરવાનું સપનું પૂરું થયું. પ્રભુ માસ્ટરનો ઘણો જ આભાર. ઉલ્લેખનીય છે કે ભરતે 30 જેટલી તમિળ ફિલ્મ્સમાં કામ કર્યું છે. હાલમાં તેની પાસે છથી વધુ પ્રોજેક્ટ્સ છે. તેની તમિળ ફિલ્મ ‘કાલીદાસ’ રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મમાં તેણે પોલીસનો રોલ પ્લે કર્યો છે. આ ઉપરાંત વર્ષના અંત સુધીમાં તેની ‘પોટ્ટુ’ તથા ‘સિમ્બા’ રિલીઝ થશે. ‘સિમ્બા’ કોમેડી ફિલ્મ છે અને તેને અરવિંદ શ્રીધરે ડિરેક્ટ કરી છે. ‘પોટ્ટુ’ હોરર કોમેડી છે અને આ ફિલ્મ બે વર્ષ બાદ રિલીઝ થઈ રહી છે. વર્ષ 2003મા ‘બોય્ઝ’થી ભરતે એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં સિદ્ધાર્થ તથા જેનેલિયા દેશમુખ હતાં.

 

માનવામાં આવે છે કે ભરત આ ફિલ્મમાં વિલનનો રોલ પ્લે કરશે. ફિલ્મમાં દિશા પટની તથા રણદીપ હૂડા છે. ચર્ચા છે કે ‘રાધે’ ફિલ્મ ‘વોન્ટેડ’ની સીક્વલ છે. ‘રાધે’ને પ્રભુદેવા ડિરેક્ટ કરી રહ્યો છે અને ઉલ્લેખનીય છે કે ‘વોન્ટેડ’ને પણ પ્રભુદેવાએ જ ડિરેક્ટ કરી હતી.

આવતા વર્ષે રિલીઝ થશે
18 ઓક્ટોબરે ફિલ્મની ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી હતી. પહેલી નવેમ્બરથી લોનાવાલામાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ આવતા વર્ષે ઈદ પર રિલીઝ થશે.