રામમંદિરના ચુકાદા પહેલા VHPએ પથ્થરનું કોતરણીકામ બંધ કર્યું, 1990થી કામ ચાલુ હતું

સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખીને વિશ્વ હિન્દુ પરિષદે મંદિર નિર્માણનું કોતરણીકામ અત્યારે મોફૂક રાખી દીધું છે. 1990 બાદ આ પહેલી વખત થયું છે કે પરિષદે આ કામ બંધ કર્યું હોય. આ કામાં જોડાયેલા કારીગરો તેમના ઘરે પાછા ફર્યા છે. વિએચપીના પ્રવક્તા શરદ શર્માએ કહ્યું કે આ નિર્ણય વિએચપીના સિનિયર નેતાઓ દ્વારા લેવામાં આવ્યો છે.

નવેમ્બર 17 સુધી સુપ્રીમ કોર્ટ રામમંદિર અંગે ચુકાદો આપી શકે છે. આ તારીખ વર્તમાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની નિવૃત્તિની તારીખ છે. પાંચ જજોની બેન્ચ દ્વારા આ કેસની સુનવણી થઇ હતી જેના અધ્યક્ષ ગોગોઇ છે. વિએચપી દ્વારા રામ મંદિર નિર્માણ કાર્યશાળાની શરૂઆત 1990માં કરવામાં આવી હતી જ્યાં પથ્થરોની કોતરણી શરુ થઇ હતી જેનો ઉપયોગ રામમંદિર નિર્માણમાં થઇ શકે. ત્યારથી આ કામ અત્યાર સુધી ચાલુ હતુ.

વિએચપી પ્રમાણે 1.25 લાખ ઘનફુટનો પથ્થર પહેલાથીજ કોતરાઇ ગયો છે. તેમના દાવા પ્રમાણે આ પથ્થર મંદિરના પહેલા માળ માટે પર્યાપ્ત છે. તે સિવાયનો બાકીનો 1.75 લાખ ઘનફુટનો પથ્થર પણ કોતરવામાં આવશે. ચુકાદા પહેલા વિએચપીએ શાંતિ જાળવવાની અપીલ પણ કરી છે. બાબરી ધ્વંશ વખતે વિએચપી સહિત આરએસએસ અને અન્ય સંગઠનો પર પ્રતિબંધ લાગ્યો હતો પરંતુ પથ્થરો કોતરવાનું કામ ચાલુ રહ્યું હતું. સુર્યકુંજ સીતારામ મંદિરના મહંત યુગલકિશોરશરણ શાસ્ત્રીએ કહ્યું કે ત્યારે પણ પથ્થરો કોતરવાનું કામ ચાલું હતું. અખિલેશના મુખ્યમંત્રી સમયે પણ રાજસ્થાન અને ગુજરાતથી પથ્થરો મંગાવવામાં આવ્યા છે. તેથી અત્યારે આ બંધ કરવાનો નિર્ણય આશ્વર્યજનક છે.