31 બોલમાં 42 રનની જરૂર હતી, 8 વિકેટ હાથમાં હતી અને ઇંગ્લેન્ડે 14 રને મેચ ગુમાવી

181 રનનો પીછો કરતા ઇંગ્લેન્ડે 14.5 ઓવરમાં 2 વિકેટે 139 રન કર્યા હતા. કેપ્ટન ઓઇન મોર્ગન 18 અને જેમ્સ વિન્સ 44 રને રમી રહ્યા હતા. 31 બોલમાં 42 રનની જરૂર હતી અને ઇંગ્લિશ ટીમની જીત લગભગ નક્કી ગણાતી હતી. જોકે 15મી ઓવરના છેલ્લા બોલે મોર્ગન મિચેલ સેન્ટનરનો શિકાર થયો અને મેચનું રૂપ સંપૂર્ણ રીતે બદલાઈ ગયું હતું. ન્યૂઝીલેન્ડે નેલ્સન ખાતે 14 રને જીત મેળવીને 5 મેચની સીરિઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે. ચોથી ટી-20 8 નવેમ્બરે નેપિયરમાં રમાશે.

ગ્રાન્ડહોમની ફિફટી અને ગુપ્ટિલ-ટેલરના કેમિયો થકી કિવિઝે 180 રન કર્યા
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં કિવિઝે ઓપનર કોલીન મુનરોની વિકેટ ફરી એકવાર સસ્તામાં ગુમાવી દીધી હતી. મુનરો 6 રને તેના પછી ત્રીજા ક્રમે રમવા આવેલ ટિમ સેઈફર્ટ 7 રને પેવેલિયન ભેગો થયો હતો. તે પછી ગુપ્ટિલ અને રોઝ ટેલરે સારી બેટિંગ કરતા અનુક્રમે 33 અને 27 રન કર્યા હતા. ઓલરાઉન્ડર કોલીન ડી ગ્રાન્ડહોમ બેટ વડે સ્ટાર રહ્યો હતો. તેણે 35 બોલમાં 5 ચોક્કા અને 3 છગ્ગાની મદદથી 55 રન કર્યા હતા. ઇંગ્લેન્ડ માટે ટોમ કરને 2 વિકેટ, જયારે સેમ કરન, પેટ્રિક બ્રાઉન, સાકીબ મહેમુદ અને મેથ્યુ પર્કિન્સને 1-1 વિકેટ લીધી હતી.

ક્લાસિક ચોક
રનચેઝમાં ઇંગ્લેન્ડની શરૂઆત સારી રહી હતી. ડેબ્યુ મેચમાં ટોમ બેન્ટને 10 બોલમાં 18 રન કર્યા હતા. 18 રન આમ તો ઓછા પરંતુ તેનું ઈમ્પૅક્ટ બહુ હતું. બેન્ટનના આઉટ થયા પછી જેમ્સ વિન્સ અને ડેવિડ મલાને બીજી વિકેટ માટે 63 રનની ભાગીદારી કરી હતી. મલાને 55 અને વિન્સે 49 રન કર્યા હતા. મોર્ગન અને તે બંનેના આઉટ થયા પછી નિયમિત અંતરે વિકેટ ગુમાવતા ઇંગ્લેન્ડે બહુ ખરાબ રીતે જીતેલી મેચ ગુમાવી હતી. ઇન્ટરનેશનલ ટી-20માં જ્યાં 8ની રનરેટે રન કરવા સરળ હોય છે, તેવી મેચમાં ઇંગ્લેન્ડે 8 વિકેટ હાથમાં હોવા છતાં અંતિમ 31 બોલમાં માત્ર 27 રન કર્યા હતા. કિવિઝ માટે લોકી ફર્ગ્યુસન અને બ્લેર ટિકનેર બંનેએ 4 ઓવરમાં 25 રન આપીને 2 વિકેટ લીધી હતી. મેચમાં 55 રનની ઇનિંગ્સ રમનાર ગ્રાન્ડહોમને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.