અરવિંદ લીમીટેડ હવે ગંદા પાણીનો ઉપયોગ કરી ડેનીમ કાપડનું ઉત્પાદન કરશે

ગુજરાત સ્થિત અગ્રણી ટેક્સટાઇલ મેન્યુફેચર્સ અરવિંદ લિમિટેડે અમેરિકાની GAP Inc. સાથે મળી અમદાવાદમાં નવી ટ્રિટમેન્ટ ફેસિલિટી શરુ કરી છે જે અંતર્ગત અરવિંદ આસપાસના વિસ્તારોમાંથી ખેંચાયેલા ડોમેસ્ટિક વેસ્ટ વોટરની કોઇપણ પ્રકારની કેમિકલ પ્રોસેસ વગર ટ્રિટમેન્ટ કરશે અને આ રીતે ગંદા પાણીને પ્રોસેસ કરી પોતાના ડેનીમ કાપડના ઉત્પાદન માટે વાપરશે. આ નવી સુવિધાથી દર વર્ષે આઠ મિલિયન લિટર તાજા પાણી અથવા વાર્ષિક ધોરણે 2.5 અબજ લિટર તાજા પાણીની બચત થશે. આ નવી બનાવવામાં આવેલી પાઈપલાઈન સ્થાનિક મ્યુનિસિપલ લાઇનમાંથી ગંદુ પાણી ખેંચશે. સ્થાનિકો પાણીની અછતની પડકારોનો સામનો કરી રહ્યા છે ત્યારે, આ ફેસિલિટી અરવિંદ, Gap Inc. અને અન્ય બ્રાન્ડ્સ માટેના વ્યવસાયોનું જોખમ પણ ઘટાડશે, જેઓ ગંદા પાણીના નિકાલના નવા વિશ્વસનીય સ્ત્રોતને શોધી રહ્યા છે.

કાપડ ઉત્પાદનમાં ચોખ્ખા પાણીનો વપરાશ ઘટશે
આ જોડાણ બાબતે નિવેદન આપતા અરવિંદ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પુનિત લાલભાઇએ જણાવ્યું હતું કે, નવી વોટર ટ્રિટમેન્ટ ફેસિલિટી અમારા કાપડની ઉત્પાદન પ્રક્રિયામાં ચોખ્ખા પાણીના વપરાશને ઘટાડવામાં મદદ કરશે. છેલ્લાં બે દાયકામાં અમે એન્વિસોલ્વેની મદદથી પાણીનો ઉપયોગ ઘટાડવા અને રિસાયક્લિંગ પ્રવૃત્તિઓ તરફ નોંધપાત્ર પ્રયાસો કર્યા છે.

ટેકસટાઇલ સેક્ટર માટે એક ઉદાહરણ સાબિત થશે
Gap Incના ગ્લોબલ સોર્શિંગના ઇવીપી ક્રિસ્ટોફ રૂસેલે જણાવ્યું કે, આ પ્રોજેક્ટ ઇનોવેટિવ, ટકાઉ ઉકેલોનું એક અગત્યનું ઉદાહરણ છે, જેને આપણે એપરલ ઉદ્યોગમાં ભાગીદારી દ્વારા અનલોક કરી શકીએ છીએ. અરવિંદ લિમિટેડ એ Gap Inc.નો મજબૂત અને મૂલ્યવાન ભાગીદાર છે. અમે આવા નિર્ણાયક પ્રયત્નો દ્વારા અમારા સંબંધોનું વિસ્તરણ કરવાનું ચાલુ રાખવા માટે ઉત્સાહિત છીએ.

2020માં નવું ઇનોવેટિવ સેન્ટર ખોલવાની યોજના
Gap Inc. અને અરવિંદ વચ્ચે 20 વર્ષ કરતા વધારે સમયથી વ્યાપારિક સંબંધો છે. એક સંયુક્ત દ્રષ્ટિકોણ દ્વારા, બંને કંપનીઓ વર્ષ 2020માં નવું ઇનોવેટિવ સેન્ટર ખોલવાની યોજના પણ બનાવી રહી છે, જેમાં ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ દ્વારા પાણીના વપરાશને ઘટાડવા અને વૈશ્વિક પાણીની અછતને પહોંચી વળવા માટે સક્ષમ ટેકનોલોજીઓને અપનાવવા માટેની ટકાઉ ઉત્પાદન પ્રક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.